અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે. દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં બોરમાં પડી જતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. તો ગાંઘીનગરથી પણ NDRFની એક ટીમ સુરગપરા ગામે જવા રવાના થઇ છે.
મળતી માહિતી મુજબ, અમરેલીના સુરગપરા ગામમાં ભનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા પરપ્રાંતીય પરિવારની દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં ખુલ્લા બોરમાં પડી ગઇ છે, જેની જાણ થતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. બાળકી બોરમાં 45થી 50 ફુટ ઊંડે ફસાઇ હોવાનું અનુમાન છે. તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. રોબોટ દ્વારા જલ્દી બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો તંત્ર દ્વારા કરાઇ રહ્યા છે.