હવામાન વિભાગની આગાહી અનુસાર ટૂંક સમયમાં જ ચોમાસાનું આગમન થવાની તૈયારી છે. આ ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજકોટ મહાપાલિકાના ન્યારી-1 ડેમના ડૂબ વિસ્તારમાંથી માલ મિલકત ખસેડી લેવાનો આદેશ કોર્પોરેશનનાં સિટી ઇજનેર દ્વારા કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન ગમે ત્યારે ન્યારી-1ના દરવાજા ખોલવાની જરૂર પડી શકે છે, ત્યારે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા ઉપરવાસ તેમજ હેઠવાસના ગામોને સાવચેત રહેવા ચેતવણીની જાહેર કરવામાં આવી છે.
મનપાની વોટર વર્કસ બ્રાન્ચના સિટી એન્જીનીયર અલ્પનાબેન મિત્રાનાં જણાવ્યા અનુસાર, જિલ્લાના રાજકોટ તાલુકાના વાજડી વીરડા ગામ પાસે ન્યારી નદી પર ન્યારી-1 પાણી પુરવઠા યોજના દરવાજાવાળી છે. જુન-2024થી ઓકટોમ્બર-2024 ચોમાસા દરમિયાન ગમે ત્યારે વરસાદ થતા ડેમમાં પાણી આવશે. જેને લઈ ડેમના ઉપરવાસના રાજકોટ તાલુકાના ગામો રામનગર, કણકોટ, કૃષ્ણનગર તેમજ લોધિકા તાલુકાના ગામો વાગુદડ, જશવંતપુરની ડુબમાં આવતી જમીનોમાંથી માલમિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ડુબમાં આવતા વિસ્તારમાં અવરજવર નહી કરવા ઉપરાંત ઢોર ઢાંખર ન લઈ જવા સૂચનાઓ અપાઈ છે.