11 જુલાઈના રોજ ‘વિશ્વ વસ્તી દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ જનજાગૃતિ અર્થે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. ‘વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન’ સ્લોગન હેઠળ આ વર્ષે ચાર તબક્કામાં આ ઉજવણી કરવામાં આવશે. કુટુંબ નિયોજન માટે દંપતીઓ સાથે સંવાદ, વધતી જતી વસ્તીથી ઊભા થતા પ્રશ્નો અંગે જાણકારી, સ્વાસ્થ્ય અને સલામતીના હેતુથી લગ્ન તથા બાળક માટે નિયત કરેલી ઓછામાં ઓછી ઉંમર, બે બાળકો વચ્ચે જરૂરી સમયગાળો, નસબંધી તથા અન્ય આધુનિક કુટુંબ નિયોજન સેવાઓ વગેરે બાબતોની જાણકારી અપાશે. બાળ તથા માતા મૃત્યુ દર ઘટાડવા માટે જાગૃતિ કેળવવામાં આવશે.
20 જૂનથી શરૂ થનારા પ્રથમ તબક્કા દરિમયાન પ્રચાર-પ્રસાર અંગેની સામગ્રી તૈયાર કરી અને વિતરણ, સ્વયંસેવકોની તાલીમ, આંતર-ક્ષેત્રિય કન્વર્જન્સ, જાગૃતિ અને પ્રચાર કરવામાં આવશે. બીજા તબક્કામાં તા.27 જૂનથી 10 જુલાઈ દરમિયાન કુટુંબ નિયોજન મહત્ત્વ વિશે જન જાગૃતિ લાવવા માટે સામુદાયિક બેઠકો, કાર્યશાળાઓ અને પરિસંવાદોનું, ઘરે-ઘરે મુલાકાતો, સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જાગૃતિ અભિયાન, રેલી, રોડ શો, દરેક ગામમાં બેનર પોસ્ટર લગાવવા અને હોર્ડિગ્ઝ લગાવવા જેવા આયોજનો કરવામાં આવશે ત્રીજા તબક્કામાં તા.11થી 24 જુલાઈ દરમિયાન સેવાઓ પૂરી પાડવા અંગેનું પખવાડિયું તરીકે ઉજવાશે. જેમાં ગર્ભનિરોધક કુટુંબ નિયોજન સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.