રાજકોટની TRP ગેમ ઝોન દુર્ઘટના બાદ મનપા દ્વારા શહેરની શાળા-કોલેજોમાં ફાયર NOC અને BU સર્ટિફિકેટ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન અત્યાર સુધી 115થી વધુ શાળા સીલ કરી છે. આ પૈકી 100 જેટલી શાળાઓ જરૂરી ફેરફાર માટે ખોલવાની છૂટ પણ આપવામાં આવી છે. પરંતુ ફેરફાર કર્યા બાદ NOC લેવામાં ખૂબ સમય લાગતો હોવાથી આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આ અંગે મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી. જેમાં હાલ સલામતીમાં બાંધછોડ કર્યા વિના વ્યવહારૂ અભિગમ અપનાવવા માગ કરી હતી. ખાસ કરીને જે શાળાઓએ ઈન્પેક્ટ ફી ભરવા માટે એપ્લાય કર્યું હોય તેને શાળા શરૂ કરવાની છૂટ આપવા માગ કરી હતી. તેમજ ફાયર NOC માટેના જરૂરી ફેરફાર થઇ ચુક્યા હોય તેવી શાળાઓને સંચાલક અથવા પ્રિન્સિપાલની જવાબદારીએ ટેમ્પરરી NOC આપી ખોલવાની છૂટ આપવા માગ કરવામાં આવી હતી.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યુ હતું કે, હાલ તંત્ર દ્વારા ફાયર NOC અને BU સર્ટિફિકેટની તપાસ કરવામાં આવી રહી છે. જે ખરેખર સારી બાબત છે. અમે પણ સલામતી સાથે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી. પરંતુ આ માટે થોડો વ્યવહારુ અભિગમ અપનાવવામાં આવે તે પણ જરૂરી છે. તંત્ર દ્વારા 115થી વધુ શાળા સીલ કર્યા બાદ જરૂરી ફેરફાર કરવા માટે 100 જેટલી શાળાનાં સીલ ખોલી આપવામાં આવ્યા હતા. આ પૈકી મોટાભાગની શાળાઓમાં જરૂરી ફેરફાર થઈ ચૂક્યા છે. પરંતુ મનપા પાસે પૂરતો સ્ટાફ ન હોવાથી ઇન્સ્પેકશન સહિતની કામગીરી પૂર્ણ કરી NOC આપવામાં સમય લાગે તેમ છે. આવા સંજોગોમાં તંત્રએ શાળા સંચાલકો કે પ્રિન્સિપાલની લેખિત ખાતરીને આધારે જ પ્રોવિઝનલ NOC આપવું જોઈએ. જેથી શાળાઓ શરૂ કરી શકાય.