PM મોદીએ સોમવારે ઓફિસે પહોંચીને ચાર્જ સંભાળ્યો છે. પીએમ મોદીએ ચાર્જ સંભાળતાની સાથે જ પ્રથમ નિર્ણય લેતા કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કર્યો હતો. તેમણે સૌથી પહેલા કિસાન સન્માન નિધિની ફાઇલ પર સહી કરી હતી. પીએમઓ પહોંચતા જ કર્મચારીઓએ મોદીનું સ્વાગત કર્યું હતું. નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હતા.
મોદી 3.0 સરકારનો પહેલો નિર્ણય દેશના કરોડો ખેડૂતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ દરમિયાન પીએમએ કહ્યું કે અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ. કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કરતા રહીશું. અગાઉ, પીએમ કિસાન યોજના હેઠળ, 16મા હપ્તાના નાણાં દેશના કરોડો ખેડૂતોના બેંક ખાતામાં 28 ફેબ્રુઆરીના રોજ જમા કરવામાં આવ્યા હતા.
નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે 71 મંત્રીઓએ શપથ લીધા, જેમાંથી 11 સાથી પક્ષોના છે. કેબિનેટની પ્રથમ બેઠક સોમવારે (10 જૂન) સાંજે 5 વાગ્યે પીએમ આવાસ લોક કલ્યાણ માર્ગ પર યોજાશે અને ત્યારબાદ ડિનર થશે.
મિટિંગમાં મંત્રીઓને તેમના મંત્રાલયની ફાળવણી કરવામાં આવી શકે છે. સરકારના પ્રથમ 100 દિવસના રોડ મેપ પર પણ ચર્ચા કરવામાં આવશે. માનવામાં આવે છે કે અમિત શાહ અને રાજનાથ સિંહના મંત્રાલયમાં ફેરફાર કરવામાં આવશે નહીં. પહેલાની જેમ શાહ ગૃહમંત્રી અને રાજનાથ સંરક્ષણ મંત્રી રહેશે.