રાજકોટ શહેરના ઉપલાકાંઠે દૂધસાગર રોડ પર આકાશદીપ સોસાયટીના ડેરીલેન્ડ ક્વાર્ટર કે જે ગુજરાત હાઉસિંગ બોર્ડે બનાવ્યા છે તેના તમામ બ્લોકના કુલ 696 આવાસ ખાલી કરવા માટે મનપાએ અલ્ટિમેટમ આપ્યું છે. અતિ જર્જરિત બનેલા આ આવાસો ખાલી કરવા અને સામાન ફેરવવા માટે મંગળવાર સુધીનો સમય અપાયો છે. આ સિવાય પણ શહેરના અન્ય વિસ્તારોમાં જર્જરિત આવાસો છે જેમાં હાઉસિંગ બોર્ડ નિર્મિત આવાસો જ ખૂબ જોખમી છે તેમાં હજુ કાર્યવાહી મનપાએ શરૂ કરી નથી. ત્યાં આવતા સપ્તાહથી કાર્યવાહીના એંધાણ અપાયા છે. આકાશદીપ સોસાયટીના આવાસ ખાલી કરાવવા મામલે કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું કે, તેમને ઘણા સમયથી નોટિસ અપાઈ રહી છે તેમજ હવે તે બાંધકામ ખૂબ જોખમી બની ગયા છે તેથી દુર્ઘટનાની સંભાવના વધુ હોવાથી ખાલી કરવવા જરૂરી બન્યા છે. તેઓને સામાન હટાવવા માટે સમય અપાયો છે. આ આવાસો ખાલી થઈ જાય ત્યારબાદ અન્ય વિસ્તારોમાં પણ કાર્યવાહી થશે જે આવાસો અતિ જર્જરિત છે તેની યાદી એન્જિનિયર બ્રાંચમાં તૈયાર થઈ છે ત્યાં પણ નોટિસ અપાશે.