દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપક પ્રમાણમાં ઝડપાયેલા ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોએ વ્યાપક ચર્ચાઓ જગાવી છે. ત્યારે ગત મોડી રાત્રે દ્વારકા નજીકના રૂપેણ બંદર તથા વરવાળા વિસ્તારના દરિયાકાંઠેથી ચરસના 30 પેકેટનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. જેનું કુલ વજન 32.053 કિલો હતું અને તેની કુલ કિંમત 16.65 કરોડ જેટલી થાય છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે બિન આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકા નજીક મીઠાપુર માર્ગ પર આવેલા રૂપેણ બંદર તથા વરવાળા ગામ વચ્ચેના દરિયાકાંઠા વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ મનાતા પેકેટ પડ્યા હોવા અંગેની જાણ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને એના ઈન્ચાર્જ એસ.પી. હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા રાત્રીના સમયે જ આ સ્થળે દોડી જઈ અને અહીં રહેલા પેકેટને કબજામાં લીધા હતા.