કોઠારિયાના સ્વાતિ પાર્કમાં 50 કરોડની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

રાજકોટના કોઠારિયામાં આવેલી રેવન્યુ સરવે નં.163ની અંદાજે રૂ.50 કરોડની 16000 ચો.મી. સરકારી જમીનમાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવા અનેક નોટિસો આપ્યા બાદ પણ કોઇ પ્રતિસાદ નહીં મળતા રાજકોટ તાલુકા મામલતદાર અને તેમની ટીમ શુક્રવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને બુલડોઝર સાથે ત્રાટકી હતી અને તમામ ગેરકાયદે દબાણો દૂર કરાવ્યા હતા.

રાજકોટના કોઠારિયા રોડ પર સરવે નં.163માં સ્વાતિ પાર્ક મેઇન રોડ ઉપર 40થી 50 મકાનના વંડા, ગોડાઉન, ગેરેજ, ઢોરવાડા સહિતના બાંધકામો ગેરકાયદે ખડકાઇ ગયાનું ધ્યાનમાં આવતા રેવન્યુ કાયદાની કલમ 202 મુજબ અગાઉ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ દબાણકારોએ સ્વેચ્છાએ દબાણો દૂર ન કરતા અંતે આખરી નોટિસ આપ્યા બાદ શુક્રવારે તાલુકા મામલતદારની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. આ સમયે લોકોના ટોળે ટોળાં એકઠા થઇ ગયા હતા પરંતુ પૂરતો પોલીસ બંદોબસ્ત હોવાથી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહી હતી અને તાલુકા મામલતદારે તમામ દબાણો પર બુલડોઝર ફેરવી દીધુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસમાં તાલુકા મામલતદારની ટીમે રૂ.100 કરોડની સરકારી જમીન પરથી દબાણો દૂર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *