રાજકોટમાં 149 રાઉન્ડમાં 12.73 લાખ મતની ગણતરી

રાજકોટ લોકસભા બેઠક ઉપર 7 વિધાનસભા મત વિસ્તારમાં થયેલા મતદાનની ગણતરી કણકોટ એન્જિનિયરિંગ કોલેજથી 4 જૂનના સવારે 8 વાગ્યાથી શરૂ થશે. જેમાં રાજકોટના 2,036 મતદાન મથક પર થયેલા મતદાનની ગણતરી કરવામાં આવશે. જેમાં 7 વિધાનસભા બેઠક વિસ્તારમાં EVMમાં પડેલા 12,60,768ની મત ગણતરી કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે 7 હોલમાં 98 ટેબલ ઉપરથી હાથ ધરવામાં આવશે. જ્યારે પોસ્ટલ બેલેટમાં પડેલા 12,621 મતની ગણતરી સૌપ્રથમ કરવામાં આવશે. કુલ 12,73,389 મતની ગણતરી થશે. મત ગણતરી કેન્દ્ર પર મોબાઈલનો પ્રતિબંધ હોવાનું જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. થ્રી લેયર સુરક્ષા વચ્ચે મત ગણતરી કરવામાં આવશે.

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, 71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ 28 રાઉન્ડમાં અને સૌથી ઓછા 70 – રાજકોટ દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં 17 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં પોસ્ટલ બેલેટમાં પડેલા મતની ગણતરી માટે અલગ અલગ 2 કાઉન્ટિંગ હોલ રાખવામાં આવ્યા છે. 27 ટેબલ પરથી પોસ્ટલ બેલેટની મત ગણતરી કરવામાં આવશે. જેમાં એક ટેબલ પર 224 મતની ગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત 26 ટેબલ પર કુલ 12,621 પોસ્ટલ બેલેટની મત ગણતરી કરવામાં આવશે. કુલ 149 રાઉન્ડમાં મત ગણતરી કરવામાં આવશે. જેની માહિતી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઈટ પર સતત અપડેટ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *