રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 28 લોકોના મોત નીપજ્યા છે. જેમાં પોલીસ ફરિયાદ થયા બાદ તંત્રના લાગતા વળગતા તમામ વિભાગોના અધિકારીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે. ગઈકાલે PGVCLના ડેપ્યુટી એન્જિનિયરને પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બોલાવી નિવેદન લેવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જગ્યાના માલિક દ્વારા વર્ષ 2016માં ઔદ્યોગિક વીજ કનેક્શનની માગણી કરવામાં આવી હતી. જ્યારે સ્થળ ઉપર ગેમ ઝોન ખાતે 100 કિલોવોટનું વીજ કનેક્શન PGVCL દ્વારા આપવામાં આવ્યું હતું અને જેનું માસિક વીજબીલ 80 હજારથી 1.20 લાખ સુધી આવતું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ PGVCL દ્વારા કામગીરી સાથે અહેવાલ સરકારમાં રજૂ કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, આગ લાગવાના બનાવની જાણ સાંજના આશરે 5.30 વાગ્યાની આસપાસ ફોલ્ટ સેન્ટરમાં રહેલ કર્મચારીને થતાં તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ પર 3 કર્મચારી સાથે સલામતીના ભાગરૂપે સ્થળ પર પહોંચ્યા હતા. આ વીજ જોડાણ નાનામવા ફીડરમાંથી આપેલ હોવાથી નાનામાવા ફીડરને બંધ કરવામાં આવ્યું હતું. બનાવની જગ્યાએ એલટી વીજ જોડાણ આવેલ છે અને આ વીજ જોડાણ જે વીજ ટ્રાન્સફોર્મરમાંથી આપવામાં આવેલ તેના ડીઓ ઉતારી વીજ જોડાણનો પાવર બંધ કરી નાનામવા ફીડર ચાલુ કરવામાં આવેલ હતું.