જમ્મુના અખનૂરમાં ગુરુવારે બપોરે શ્રદ્ધાળુઓને લઈ જતી એક બસ 150 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 21 લોકોના મોત થયા હતા. જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધી શકે છે.
આ અકસ્માત જમ્મુ-પૂંછ હાઈવે પર થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બસમાં ઉત્તર પ્રદેશના હાથરસથી લગભગ 90 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેઓ હાથરસથી શિવ ખોરી જઈ રહ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અકસ્માતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
અહીં કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સાથે જ ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ X પર લખ્યું, “જમ્મુ પાસે અખનૂરમાં એક બસ દુર્ઘટનામાં લોકોના મોતના સમાચારથી દુ:ખ થયું. મૃતકોના પરિવાર પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.”