વડોદરા-હાલોલ હાઈવે નજીક આવેલા કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. ખાલી સાઇડનું ટાયર ડિવાઇડર સાથે અથડાતા આખેઆખું પીક-અપ વાન પાણી ભરેલા નાળામાં ખાબક્યું હતું. ગાડીમાં 10 લોકો સવાર હતા. જેમા બે બાળક સહિત ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 6 લોકો હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ અંગે રેસ્ક્યુની કામગીરી કરનાર ઈઆરસી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જશુભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, સ્ટેડિયમની બાજુમાં જ આ ઘટના બની હતી. અમને મેસેજ મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં જાણવા મળ્યું કે, પીકઅપ ડાલાનું ટાયર ફાટી જવાથી આ અકસ્માત સર્જાયો છે. અમે તપાસ કરતા ટાયર ફાટેલું હતું. ત્યાર બાદ રોડની બાજુમાં આવેલા નાળામાં પાણી ભરેલું હતું. ત્યાં પીકઅપ ડાલુ પલટી મારી ગયું હતું. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ચાર લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. જેમાં બે નાના બાળકો હતા અને બે પુરુષોનો સમાવેશ થાય છે. અન્ય એક દર્દીને જારોદથી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમનું નામ લલીતાબેન શંકરભાઈ વાખા (ઉં.વ 22) છે.
શંકરભાઈ વખાર નામના પેસેન્જરે જણાવ્યું હતું કે, રાજસ્થાનનો વતની છું અને મજૂરી માટે વડોદરા આવતો હતો. હું પાછળ બેઠેલો હતો. અચાનક શું થયું કઈ ખબર જ ન પડી. અચાનક અકસ્માત થયો અને પીકઅપ પલટી મારી ગયું.