ગત 25 મે, 2024 અને શનિવારના રોજ રાજકોટ શહેરમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 28 લોકો ભડથું થઈ ગયા હતા. આ ઘટનાના દેશભરમાં પડઘા પડી રહ્યા છે અને સરકારની કામગીરી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ લોકસભા ચૂંટણી યોજાઈ છે અને તેના પ્રચાર દરમિયાન સતત દેખાતા નેતાઓ અને પેજ પ્રમુખો હવે ગાયબ થઈ ગયા હોવાના રાજકોટના નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે આજે આ કરુણાંતિકાના ત્રણ દિવસ બાદ કેન્દ્રીય મંત્રી રૂપાલા રાજકોટ સિવિલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં જનતાએ તેમને ઘેર્યા હતા અને સવાલોનો મારો ચલાવ્યો હતો. લોકોમાં પણ એક ચર્ચા ચાલી છે કે, રાજ્યસભા સાંસદ મોકરિયા તો રોજ આવી રહ્યા છે પણ ચૂંટણી દરમિયાન ઘરે ઘરે જઈને મત માગનારા રૂપાલા કેમ દેખાતા નહોતા?
તમે 54 કલાક વીતી ગયા પછી આવ્યા છો, લોકસભા મતદાન પહેલાં ઠેકઠેકાણે સભા યોજતા હતા પણ હવે 54 કલાક પછી કેમ આવ્યા? આ સવાલના જવાબમાં કહ્યું કે, હું બીજા દિવસની સવારથી 8 વાગ્યાનો અહીં જ છું. પરંતુ આ સ્થળે નહોતો આવ્યો એ વાત તમારી સાચી છે. હું એવું માનું છું આવી બધી પ્રવૃત્તિ કરવાથી જે પ્રક્રિયા ચાલી રહી છે એનું થોડું ઘણું વ્યવધાન થાય છે. હું તંત્ર સાથે સંકળાયેલો હતો અને સંકલન કરવા માટે બધાના સંપર્કમાં જ હતો.