ખતરનાક ચક્રવાત તોફાન રેમલ રવિવારે રાત્રે 8.30 કલાકે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ બંગાળમાં કેનિંગ અને બાંગ્લાદેશના મોંગલામાં ત્રાટક્યું હતું. લેન્ડફોલ 4 કલાક સુધી ચાલ્યું હતું.
આ સમયગાળા દરમિયાન, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પૂર્વ મેદિનીપુર, દિઘા, કાકદ્વીપ, જયનગર, કોલકાતા, હુગલી અને હાવડાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને વરસાદ થયો હતો.
રાજધાની કોલકાતામાં 100થી વધુ વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. કોલકાતા અને સુંદરવનમાં બે લોકોના મોત થયા છે.
કોલકાતાના સુભાષ ચંદ્ર બોઝ એરપોર્ટ પર 21 કલાક બાદ ફ્લાઈટ સેવા ફરી શરૂ થઈ છે. તોફાન પહેલા રવિવારે તે બંધ હતું. 394 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
કોલકાતામાં રવિવારે સવારે 8.30 વાગ્યાથી સોમવારે સવારે 5.30 વાગ્યાની વચ્ચે 146 મિમી વરસાદ નોંધાયો હતો. હલ્દિયામાં 110 મીમી, તમલુકમાં 70 મીમી અને નિમેથમાં 70 મીમી વરસાદ નોંધાયો હતો.