રાજકોટ શહેરના આજીડેમની પાછળ રામવન નજીક વિસ્તારમાં જમીનો ખોદીને ખનન કરી નખાયેલી ઉંડી ખાણોમાં હજી સ્ટોન ક્રશર કામગીરીઓ ચાલે છે. રાજકોટ શહેર SOG પોલીસ ટીમે જય દ્વારકાધિશ એન્ટરપ્રાઈઝ નામની સ્ટોન ક્રશરની પેઢીની ઓરડીમાંથી બ્લાસ્ટ કરવા માટેની જીલેટીન સ્ટીકો, ડિટોનેટર અને વાયરનો ગેરકાયદે મોટો જથ્થો પકડી પાડયો છે. પોલીસે હાલ સ્ટોન ક્રશર માલિક, મેનેજર સહિતના સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેર SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે જય દ્વારકાધિશ એન્ટરપ્રાઈઝની ઓરડીમાં બ્લાસ્ટિંગ માટેનો જથ્થો પડયો છે, તેવી બાતમી મળી હતી. જેના આધારે ઓરડી પર દરોડો પાડયો હતો. બંધ ઓરડી ખોલાવતા અંદરથી બે બોકસમાં જીલેટીનની 400 સ્ટીક, 30 ઈલેકટ્રીક ડિટોનેટર, વાયરનો જથ્થો મળી આવ્યો હતો. જય દ્વારકાધિશ એન્ટરપ્રાઈઝ નામની સ્ટોન ક્રેશર પેઢીનો આ જથ્તો હોવાનું ત્યાં હાજર પેઢીના મેનેજર જૂનાગઢના શાપુર ગામના વતની વિપુલ ગીરધરભાઈ શેખાત જણાવ્યું હતું.