ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના ખેડૂતોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભડકાવ્યા છે. ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ખેડૂતોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકવા માટે ઉશ્કેર્યા છે. તેણે બદલામાં 1 લાખ ડોલર આપવાની લાલચ આપી છે.
આતંકવાદી પન્નુએ એક ભડકાઉ વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે પંજાબના ખેડૂતોએ વડાપ્રધાન મોદીને પંજાબમાં જ જવાબ આપવો પડશે. તમામ રસ્તાઓ અને એરપોર્ટના માર્ગો બુલડોઝર અને ટ્રેક્ટર વડે બ્લોક કરી દેવા જોઈએ. નરેન્દ્ર મોદીને અહીં બોલવા દેવા ન જોઈએ. નરેન્દ્ર મોદીને જણાવવું પડશે કે આ પંજાબ છે, જે ભારતથી આઝાદી ઈચ્છે છે.
આતંકવાદી પન્નુએ ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો અને તેમને લાલચ પણ આપી. પન્નુએ વીડિયોમાં કહ્યું છે કે ખેડૂતોના લોહીના દરેક ટીપાનો હિસાબ આપવો પડશે. ઘરમાં દુશ્મન આવી રહ્યો છે, ઘરમાં જવાબ મળશે. મોદીનો કાફલો રોકે એ પહેલાં જ તે ખેડૂતોને 1 લાખ ડોલર આપશે.