રાજકોટની મોટાભાગની તમામ સ્કૂલ-કોલેજોમાં હાલ વેકેશન છે, જેને લઈ ગામડે અને ફરવા જનારા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ વેકેશનમાં વધુ પડતા લોકો એસટી બસો દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરતાં હોવાથી એસટી વિભાગને વેકેશન ફળ્યું છે. વેકેશનનાં કારણે વોલ્વો અને ઈલેક્ટ્રિક એસ.ટી. બસોમાં બુકિંગ ફુલ થયા છે. રેગ્યુલર બસોમાં પણ મુસાફરોનો ધસારો વધ્યો છે. રાજકોટ એસટીને રોજની આવક રૂ. 60 લાખ આસપાસ રહેતી હતી, તે હવે રૂ. 70 લાખને પાર થઈ છે.
એસટીનાં ડિવિઝનલ ટ્રાફિક મેનેજર વી. બી. ડાંગરનાં જણાવ્યા મુજબ, વેકેશનને કારણે ગત 1 તારીખથી જ વધારાની બસો જુદા-જુદા રૂટ પર દોડાવવાનું શરૂ કરાયું છે. જેને મુસાફરો તરફથી પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધી એસટીનાં રાજકોટ વિભાગની આવક પ્રતિદિન રૂ. 60 લાખ હતી, પરંતુ હાલ વેકેશનનાં દિવસો હોવાને કારણે આવક વધીને દરરોજ રૂ. 70 લાખ થઈ રહી છે. એટલે કે, રોજની રૂ. 10 લાખની આવક વધી છે. જેને કારણે ચૂંટણી પૂર્ણ થયાનાં માત્ર પંદરેક દિવસમાં જ કુલ આવક રૂ. 10.34 કરોડ થઈ ચૂકી છે.