હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જેમાં મોટા ભાગના લોકો આઈસ્ક્રીમ અને ઠંડાપીણાનું સેવન કરતા હોય છે, ત્યારે મનપાનાં ફૂડ વિભાગે આઈસક્રીમમાં થતી ભેળસેળ અટકાવવા શહેરનાં વિવિધ વિસ્તારોમાં આઈસક્રીમનું ઉત્પાદન અને વેચાણ કરતા વેપારીઓની ચકાસણી શરૂ કરી છે. જે અંતર્ગત આજે મહાદેવ વાડી વિસ્તારમાં આવેલા ડિલાઈટ આઇસક્રીમમાં ચેકિંગ કરાયું હતું. જેમાં લુઝ પેકિંગમાં લાયસન્સ નંબર કે ઉત્પાદકનું નામ સહિતની જરૂરી વિગતો લખવામાં ન આવી હોવાનું ખુલ્યું હતું. જેને પગલે નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર ફૂડ વિભાગની ટીમો લક્ષ્મીનગર નજીક મહાદેવ વાડી વિસ્તારનાં ડીલાઈટ આઇસક્રીમમાં પહોંચી હતી. જ્યાં તપાસ કરતા લુઝ આઈસક્રીમ મોટા પ્રમાણમાં મળી આવ્યું હતું. લુઝ પેકિંગમાં લાયસન્સ નંબર કે ઉત્પાદકનું નામ તેમજ મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ પણ લખવામાં ન આવી હોવાનું ખુલ્યું હતું. જેને પગલે ફૂડ વિભાગ દ્વારા વેપારીને આ માટેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ નમુના લઈને વડોદરા લેબોરેટરીમાં મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.