લોકશાહીનો અવસર સમી લોકસભા સામાન્ય ચૂંટણી- 2024ના ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે 70-રાજકોટ દક્ષિણ બેઠકના બૂથ નંબર 139 “મા શારદા વિદ્યાલય” ખાતે અંધ મહિલા વિકાસ ગૃહની 16 અંધ બહેનોએ સમુહમાં મતદાન કર્યું હતુ. જેમાં તેઓએ કહ્યું હતું કે, આંખો નથી તો શું થયું, અમારા ઇરાદાઓ અડીખમ અને બુલંદ છે. પ્રતિ વર્ષ અમે મતદાન કરીને દેશની લોકશાહીની જાળવણી માટે હાથની આંગળી પર “કાજળનું ટપકું” કરીએ છીએ.
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના નેતૃત્વ હેઠળ 70-રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી ચાંદની પરમાર અને સમાજ સુરક્ષા અધિકારી એમ. એન. રાઠોડના માર્ગદર્શન હેઠળ માસ્ટર ટ્રેનર અરૂણ દવેના સહયોગથી અંધ મહિલા વિકાસ ગૃહે 16 અંધ મહિલાઓને મતદાન કરાવીને લોકશાહીના પર્વમાં ભાગીદાર થઈને લોકસાહીના અવસરની ઉજવણી કરી હતી. રાજકોટ સમાજ સુરક્ષા વિભાગ 16 પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની ટેકણ લાકડી બન્યું હતું. સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓની મદદથી સક્ષમ એપ પર 16 પ્રજ્ઞાચક્ષુ બહેનો વતી લૉગ ઇન કરીને ચૂંટણીપંચની માર્ગદર્શિકાનું શબ્દશ: પાલન કરીને તેમને સન્માનપૂર્વક લાવવા-લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.