રાજકોટ લોકસભા બેઠકમાં 2,036 મતદાન મથકો આવેલા છે. જેમાં 15,000થી વધુ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. રાજકોટ કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, ગરમીને કારણે આજે સવારે 6 વાગ્યાથી મતદાન મથકો પર EVM મશીન મોકલવા માટે સ્ટાફને બોલાવી લેવામાં આવેલો છે. સાહિત્યનું વિતરણ પૂર્ણ થઈ ગયું છે અને ઝડપથી EVM મતદાન મથકો પર કર્મચારીઓ મારફત રવાના કરવામાં આવશે. પેરા મીલીટરી ફોર્સની 12 જેટલી કંપની રાજકોટમાં આવી પહોંચી છે તે સિવાય 1,052 મતદાન મથક પર લાઈવ વેબકાસ્ટિંગ થવાનું છે. 250થી વધુ માઇક્રો ઓબ્ઝર્વર સંવેદનશીલ વિસ્તારમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત મતદાન મથક પર છાયડો, પાણી, ખુરશીઓ સહિતની વ્યવ્સ્થાઓ પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત હિટવેવને ધ્યાનમાં લેતા દૂરના અંતરના મતદાન મથકો સુધી કર્મચારીઓને પહોંચાડવા માટે 20 એર કન્ડિશન બસ રાખવામાં આવી છે. આ ઉપરાંત મતદાન મથકોમાં છાયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. પીવાના પાણી ઉપરાંત બેઠક માટે ખુરશીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મતદાન મથકો ઉપર પણ વધુ સ્ટાફ મૂકવામાં આવશે. જેથી મતદાન વખતે ભીડ ન થાય. દરેક વિધાનસભા વાઇઝ 7-7 સખી મતદાન મથકો રાખવામાં આવ્યા છે. જ્યાં મહિલા અધિકારીઓ ફરજ બજાવશે. દિવ્યાંગો દ્વારા દરેક વિધાનસભામાં 1-1 બુથ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત મોડેલ પોલિંગ સ્ટેશન પણ ઊભું કરવામાં આવ્યું છે. ગત વર્ષ કરતા 5 ટકા વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.