છ વર્ષ પૂર્વેના હત્યાકેસમાં યુવાનને આજીવન કેદ

શહેરના નવલનગર વિસ્તારમાં છ વર્ષ પૂર્વે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા કાનજી ઉર્ફે કાનો ઉર્ફે લાલો ડાયા ડાવેરા સામે કેસ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ આર.ટી.વાછાણીની કોર્ટમાં ચાલી જતા આઇપીસી 302ની કલમ હેઠળ આજીવન કેદ, રૂ.50 હજારનો દંડ, 307ની કલમ હેઠળ 10 વર્ષની સજા તેમજ રૂ.30 હજારનો દંડ અને 326ની કલમ હેઠળ 5 વર્ષની સજા તેમજ રૂ.10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા આરોપીના પિતા ડાયાભાઇ ભોજાભાઇ ડાવેરા, માતા હંસાબેન, ભાઇ સંજય, નાગજી મોમ વરૂ સહિત આઠ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો આદેશ કર્યો છે.

નવલનગર 3-18માં રહેતા લક્ષ્મણભાઇ ઉર્ફે લખન સુરેશભાઇ મેવાડાના સંતાનોને તેમનો ભાઇ મારૂતિ તા.31-5-2018ના રોજ ઘરે મુકવા આવ્યો હતો. આ સમયે ઘર પાસે વાહનો આડેધડ પાર્ક થયેલા હોય લક્ષ્મણભાઇ ઉર્ફે લખન અને મારૂતિ નડતરરૂપ વાહનો સાઇડ કરતા હતા. આ સમયે પાછળ રહેતો કાનજી ઉર્ફે કાનો ધસી આવી તમે અમારા વાહનો કેમ હટાવો છો તેમ કહી ઝઘડો કરી માર માર્યો હતો.

માથાકૂટ વધતા કાનજી ઉર્ફે કાનો તેના ઘરેથી છરી લઇને આવ્યો હતો. તેની સાથે તેના માતા-પિતા, ભાઇ સહિત આઠ લોકો પણ હતા. બાદમાં મારૂતિને અન્ય આરોપીઓએ પકડી રાખી કાનજી ઉર્ફે કાનાએ છરીના ઘા ઝીંકી દીધા હતા. લક્ષ્મણભાઇ વચ્ચે આજે તો તમને પુરા જ કરી નાંખવાના છે તેમ કહીને છરીના ઘા ઝીંકી નાસી ગયા હતા. હુમલામાં મારૂતિને તેમજ પોતાને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન મારૂતિએ દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો.

માલવિયાનગર પોલીસે લક્ષ્મણભાઇની ફરિયાદ પરથી હત્યા તેમજ હત્યાની કોશિશનો ગુનો નોંધી નવ આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. દરમિયાન કેસ અદાલતમાં ચાલતા સારવારમાં લેવામાં આવેલું મૃતકનું મરણોન્મુખ નિવેદન લેવામાં આવ્યું હતુ. પીએમ કરનાર તબીબનો રિપોર્ટ, આરોપીઓના લોહીવાળા કપડા વગેરે તપાસના કામે પોલીસે કબજે કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *