રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી છે. રૂપાલા સામેનો આ રોષ હવે ભાજપના વિરોધમાં પલટાઇ ચૂક્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથના માધ્યમથી રાજકોટ જિલ્લાનાં વિવિધ ગામોમાં ભાજપ વિરોધી પ્રચાર કરવામાં આવ્યો હતો. આજે ગુજરાત સ્થાપના દિવસે આ ધર્મરથ રાજકોટ શહેર પરત ફર્યો છે. આજે રાજકોટમાં ધર્મરથ ફરનાર હોવાથી એ.જી. ચોકથી પ્રારંભ કરાયો હતો. દિવસભર આ રથ શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ વિરોધી પ્રચાર કરશે. આવતીકાલે 2 મેના રોજ લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામ ખાતે રથનું સમાપન થશે. ઉલ્લેખનીય છે કે, અઠવાડિયા પહેલાં રાજકોટમાં ક્ષત્રિય સમાજનાં કુળદેવી આશાપુરા માતાજીના મંદિરેથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. હવે લેઉવા પટેલ સમાજનાં કુળદેવીના મંદિર ખોડલધામમાં ધર્મરથ વિરામ લેશે.
આ તકે ક્ષત્રિય સમાજના આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુભાએ જણાવ્યું હતું કે, આજે ક્ષત્રિય અસ્મિતાનો રથ રાજકોટ આવ્યો છે. દિવસભર તમામ 18 વોર્ડના વિવિધ વિસ્તારમાં ફરીને ભાજપ વિરોધી પ્રચાર કરાશે. ક્ષત્રિયો સહિતના સર્વ સમાજનાં બહેનોની અસ્મિતા માટે લોકજાગૃતિ ફેલાવવાનું કામ આ રથ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે કાગવડના ખોડલધામ ખાતે રથનું સમાપન કરવામાં આવશે. ધર્મરથના કારણે લોકોમાં એક જાગૃતિ આવી રહી છે. લોકોને ધ્યાનમાં આવ્યું કે, આટલો વિરોધ હોવા છતાં સરકાર નોંધ લેતી નથી.