અમેરિકામાં માર્ગ અકસ્માતની ઘટનામાં 3 ગુજરાતી મહિલાનાં મોત થયાં હોવાની માહિતી સામે આવી રહી છે, જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ત્રણેય મૃતક મહિલા આણંદ જિલ્લાની વતની છે. વિગતો મુજબ, મહિલાઓ કારમાં જઈ રહી હતી ત્યારે તેમની કાર ઓવરપાસ સાથે અથડાઈને ચાર લેન કૂદી ઝાડ સાથે અથડાઈ હતી.
અમેરિકાના જ્યોર્જિયા ખાતે રહેતાં કાવિઠા ગામનાં રેખાબેન દિલીપભાઈ પટેલ, સંગીતાબેન બી. પટેલ અને મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલ સહિત આ ચાર મહિલા એટલાન્ટાથી ગ્રીન વિલા, સાઉથ કેરોલિનામાં જઈ રહી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ઓવરપાસ સાથે અથડાઈ હતી. ટ્રાફિકની ચાર લેન વટાવીને એ ઝાડીમાં 20 ફૂટ ઊંચા ઝાડ સાથે અથડાઈ હતી.
SUV એકથી વધુ જગ્યાએ અથડાયા બાદ કારના ટુકડા થઈ ગયા હતા અને ત્રણ મહિલાનાં મોત થયાં હતા, જ્યારે એકની હાલત ગંભીર હતી. આ બનાવની જાણ કાવિઠા અને વાસણા બોરસદ પહોચતાં સ્વજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.
અમેરિકાના સાઉથ કેરોલિનામાં ગ્રીનવિલેમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં મૂળ આણંદ જિલ્લાની રહેવાસી 3 મહિલા- રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ અને મનીષાબેન પટેલનાં મોત થયાં હતાં. મૃતકોમાં બે મહિલા આણંદના વાસણા ગામની, જ્યારે એક મહિલા કાવિઠા ગામની વતની છે, જ્યારે કારમાં સવાર અન્ય એક મહિલા કામીનીબેન જીતેન્દ્રભાઈ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.