કિવમાં ચાલતી કારની સામે રશિયન મિસાઇલ પડી!

રશિયન મિસાઇલ યુક્રેનની રાજધાની કિવમાં ચાલતી કારની બરાબર સામે પડી હતી, જેને કારણે જમીન પર ઊંડો ખાડો પડી ગયો હતો. કારની અંદર બેઠેલા બે લોકોએ મિસાઈલ પડવાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. આ હુમલામાં કારને કોઈ નુકસાન થયું નથી. યુક્રેનના ચીફ ઓફ સ્ટાફ વેલેરી ઝાલુજ્નીએ જણાવ્યું હતું કે રશિયન સૈન્યએ સવારે 11.30 વાગ્યે કિવ પર 11 બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો છોડી હતી.

ઝાલુજ્નીએ દાવો કર્યો હતો કે યુક્રેનિયન સૈન્યએ તમામ મિસાઇલોને તોડી પાડી હતી. મિસાઈલના પતનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું- રશિયન મિસાઈલનો કાટમાળ કિવમાં અલગ-અલગ જગ્યાએ પડ્યો હતો. આમાં એક બાળક પણ ઘાયલ થયું છે. રશિયાએ આ હુમલો મોસ્કોમાં 2 ઈમારત પર ડ્રોન હુમલા બાદ કર્યો હતો.

વાસ્તવમાં 2 દિવસ પહેલાં રશિયાએ યુક્રેન પર ડ્રોન હુમલાનો આરોપ લગાવ્યો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે કિવે લગભગ 8 ડ્રોન વડે આતંકવાદી હુમલો કર્યો હતો. તમામ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. એ જ સમયે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે રશિયા પરના હુમલામાં 30 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે યુક્રેને આ આરોપોને ફગાવી દીધા હતા.

એ જ સમયે રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેન તેનાં શહેરોમાં સતત ડ્રોન હુમલા અને ગોળીબાર કરી રહ્યું છે. આવો જ હુમલો બુધવારે સરહદ નજીક બેલગોરોડ વિસ્તારમાં થયો હતો, જેમાં 4 લોકો ઘાયલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *