ગત તા.15 ફેબ્રુઆરીના રોજ પોતાના કારખાનામાં જાતે ફીટ કરેલ લિફ્ટ અચાનક બંધ થઈ જઈ ફરી અચાનક ચાલુ થઈ જતા મજૂર મહિલાનું માથું ચગદાઈ જવાથી મોત નીપજ્યું હતું. જે કિસ્સામાં કોર્ટ કેસ ચાલી જતા અધિક સેશન્સ જજ બી.બી. જાદવે કારખાનેદાર પીયુષ દેવચંદભાઈ ખૂંટની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે. કારખાનેદાર પીયુષભાઈ ખૂંટે પોતાના કારખાનામાં માલ અને મજૂરોની હેરફેર માટે જાતે લિફ્ટ બનાવી ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
તા.15 ફેબ્રુઆરીના રોજ આ લિફ્ટ અચાનક અધવચ્ચે બંધ થઈ ગઈ હતી, જેથી લિફ્ટની અંદરની મજૂર મહિલાએ પોતાનું માથું બહાર કાઢી જાણવાની કોશીષ કરી તેજ સમયે અચાનક લિફ્ટ ચાલુ થઈ ગઈ હતી. આમ થવાથી લિફ્ટ અને તેની ઉપરના ભાગેની સિલિંગ વચ્ચે મહિલાનું માથું ચગદાઈ ગયું હતું. આ બનાવ બનતા મહિલાનું મૃત્યુ થવાથી કારખાનેદાર સામે ઈ.પી.કો. કલમ 304 હેઠળ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ બનાવમાં આરોપી તરફેની જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, મહિલાએ પોતે પોતાનું માથું લિફ્ટની બહાર કાઢ્યું હતું, તેથી આ બનાવ બન્યો છે અને તે કારણે આરોપીની જામીન અરજી મંજૂર કરવી જોઈએ. જોકે, સરકાર તરફે જિલ્લા સરકારી વકીલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, લિફ્ટ એક એવુ મિકેનિઝમ છે, જેના ઉપયોગ દરમિયાન કોઈપણ પ્રકારનો અકસ્માત થઈ શકે અને આવા અકસ્માતને નિવારવા માટે સરકારે લિફ્ટ એક્ટ નામનો કાયદો બનાવેલ છે. આ કાયદા મુજબ ફકત માન્ય ઈન્ડસ્ટ્રીઝ જ લિફ્ટ બનાવી શકે અને તેઓએ જ આવી લિફ્ટ ફીટ કરવી પડે. આ ઉપરાંત લિફ્ટ ઉપયોગનું લાયસન્સ પણ મેળવવાનું હોય છે, જે લાયસન્સ વીના લિફ્ટનો ઉપયોગ થઈ શકે નહીં. આ લાયસન્સ સમયાંતરે રિન્યુ કરાવવાનું હોય છે.