રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માટે ભાજપ અને કોંગ્રેસ સહિત 9 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં અડધો ડઝન અપક્ષ ઉમેદવારો છે, ત્યારે તેઓને અલગ અલગ 190 ચૂંટણી ચિન્હ પસંદગી માટે આપવામાં આવ્યા હતા. જેમાંથી અપક્ષ ઉમેદવારોને પોતાની પસંદગી મુજબના ચૂંટણી પ્રતિક આપવામાં આવ્યા છે. જેમાં કોઈ દૂરબીન તો કોઈ ગેસ સિલિન્ડરના પ્રતીક સાથે ચૂંટણી લડી રહ્યા છે. રાજકોટમાં એક સાથે 9 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હોવાથી ખરો ચૂંટણી જંગ જામશે તેવું લાગી રહ્યું છે.
9 ઉમેદવાર ચૂંટણી જંગમાં
રાજકોટ લોકસભા બેઠક પર અગાઉ 16 ઉમેદવારે ચૂંટણી લડવા માટે નામાંકન પત્ર ભર્યા હતા. જોકે તેમાંથી રાજકોટ જિલ્લા વહિવટી એટલે કે ચૂંટણી તંત્ર દ્વારા ફોર્મ ચકાસણી દરમિયાન 10 ફોર્મ માન્ય રાખ્યા હતા અને 6 ફોર્મ અમાન્ય રાખ્યા હતા. માન્ય 10માંથી એક ઉમેદવાર અમરદાસ દેસાણીએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા હવે 9 ઉમેદવાર ચૂંટણી જંગમાં છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી ઉપરાંત 6 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડવાના છે. 7 મે ના મતદાનના દિવસે રાજકોટ લોકસભા બેઠક મતવિસ્તારના લોકો 9 ઉમેદવારોને મત આપી શકશે. જેમાં 6 અપક્ષ ઉમેદવારોને તેમના મનપસંદ ચૂંટણી ચિન્હ આપવામા આવ્યાં છે.