મુંબઈને 9 વિકેટે હરાવ્યું

IPL-2024માં રાજસ્થાન રોયલ્સે બીજી વખત સતત ત્રીજી જીત હાંસલ કરી છે. ટીમે સિઝનની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું હતું. 17મી સિઝનમાં રાજસ્થાનની આ 7મી જીત હતી, આ સાથે રોયલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. બીજી તરફ મુંબઈ પાંચમી મેચ હારી ગયું હતું.

સોમવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઈએ ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 179 રન બનાવ્યા હતા. રાજસ્થાને 180 રનનો ટાર્ગેટ 18.4 ઓવરમાં એક વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો.

RRના ઓપનર યશસ્વી જયસ્વાલે 60 બોલમાં અણનમ 104 રનની સદી ફટકારી હતી. તેણે 9 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. જોસ બટલરે 35 રન અને કેપ્ટન સંજુ સેમસને 38 અણનમ રનનું યોગદાન આપ્યું હતું. MI તરફથી પિયૂષ ચાવલાને એક વિકેટ મળી હતી.

મુંબઈ તરફથી તિલક વર્માએ 45 બોલમાં 3 સિક્સરથી 65 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી, જ્યારે નેહલ વાઢેરા 49 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદ નબીએ 23 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી સંદીપ શર્માએ 5 વિકેટ લીધી હતી. ટ્રેન્ટ બોલ્ટને 2 વિકેટ મળી હતી. યુઝવેન્દ્ર ચહલે એક વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *