રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે જ્યુબિલી ચોક ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા અને બાદમાં પદયાત્રા શરૂ કરી હતી. આ તકે તેમણે શાકભાજીના વેપારીને ત્યાં જઈ લીંબુ સહિતની શાકભાજીના વેપારીના ભાવ પૂછ્યા બાદ રાજકોટને કોઈની નજર ન લાગે એ માટે લીંબુનું તોરણ લટકાવ્યું હતું. તો વેપારીઓ સમક્ષ જઈ ભાવવધારો કેટલો થયો એ પૂછ્યું હતું. આ તકે તેમણે કટાક્ષ કર્યો હતો કે રાજકોટે રાજ્યને ચાર-ચાર મુખ્યમંત્રી આપ્યા હોવા છતાં એને વૈશ્વિક ઓળખ બનાવી શક્યા નથી, જેથી સ્વાભિમાની રાજકોટ સ્વબળે ઊભું થાય એવી (કોંગ્રેસ)ની સરકારને ચૂંટશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે તેમની આ પદયાત્રા દરમિયાન ધાનાણીના ડમી ઉમેદવાર ડૉ. હેમાંગ વસાવડા ક્યાંય દેખાયા નહોતા.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે રાજકોટના લોકોએ ટૂંકી મૂડી અને પરસેવાની કમાણીથી ઇમિટેશન, ગોલ્ડ, સબમર્સિબલ પમ્પ, ઓટોમોબાઈલક્ષેત્રે રાજકોટની ઓળખ બનાવી છે. રાજકોટના લોકોએ 4-4 મુખ્યમંત્રી આપ્યા હોવા છતાં સરકારનું પીઠબળ રાજકોટ અને સૌરાષ્ટ્રને મળવું જોઈએ, એની ઊણપ જોવા મળી રહી છે. રાજકોટને રાજકીય પરિબળોએ એની આભાથી દાઘ લગાડવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે સ્વાભિમાની રાજકોટ સ્વબળે ઊભું થાય એવી સરકારને ચૂંટશે એવો મને વિશ્વાસ છે.