રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આજે વિજય મુહૂર્ત પહેલાં જ ઉમેદવારી ફોર્મ ભર્યું. વિજય મુહૂર્તનો સમય 12.39 નો હતો જોકે તેની જગ્યાએ 11.15 થી 11.30 ના લાભ ચોઘડિયામાં તેમણે ફોર્મ ભર્યું છે. કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટર સમક્ષ ફોર્મ રજૂ કર્યું હતું. રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા. બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધી હતી. રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઊમટી પડ્યા હતા, પુરુષોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડમી તરીકે મોહન કુંડારિયાએ ફોર્મ ભર્યું છે.
રૂપાલાએ ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામા મુજબ, તેમની પાસે વિદેશી બનાવટની પિસ્તોલ છે. જ્યારે તેમની કે તેમનાં પત્ની પાસે કાર નથી. તેમજ પત્ની સવિતાબેન પાસે 81 લાખની કિંમતનું 1390 ગ્રામ સોનું છે. સોગંદનામામાં પતિ-પત્ની પાસે પોણા 6 કરોડ રૂપિયા વ્યક્તિ દીઠ જંગમ મિલકત હોવાનું જણાવ્યું, વર્ષ 2022-23માં પુરુષોત્તમ રૂપાલાએ 15 લાખ 77 હજાર 110 રૂપિયાની આવક થઈ હોવાનું દર્શાવ્યું છે. BSc. B.Ed સુધીનો અભ્યાસ દર્શાવ્યો છે.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ ખોડાભાઈ રૂપાલાએ આજે જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાનું સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં તેમણે પોતાની ઉંમર 69 વર્ષ તો મૂળ ગામ અમરેલીનું ઇશ્વરીયા હોવાનું જણાવ્યુ છે. ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે તેમનું નામ 95- અમરેલી વિધાનસભા, ગુજરાત રાજ્ય (મતદાન વિભાગ અને રાજ્યનું નામ)માં ભાગ નંબર 155માં ક્રમ નંબર 937 પર નોંધવામાં આવ્યું છે. તેમણે પોતાની વર્ષ 2018-19ની આવક રૂ.16,08,910, વર્ષ 2019-20ની આવક રૂ.17,39,610, વર્ષ 2020-21ની રૂ.13,71,540, વર્ષ 2021-22ની રૂ.11,18,740 અને વર્ષ 2022-23ની આવક રૂ.15,77,110 દર્શાવી છે. જ્યારે પત્ની સવિતાબેનની વર્ષ 2022-23ની આવક રૂ.12,70,650 દર્શાવવામાં આવી છે. રૂપાલા પાસે કુલ જંગમ અને સ્થાવર મિલકત રૂ.9,42,44,387 તો તેમની પત્ની પાસે જંગમ અને સ્થાવર મળી કુલ રૂ.8,00,72,286 હોવાનું સોગંદનામાંમાં દર્શાવવામાં આવ્યું છે. પતિ-પત્ની પાસે જંગમ અને સ્થાવર મિલકત મળી રૂ.17,43,16,673 હોવાનું જાહેર થયું છે.