રાજકોટનાં જામનગર રોડ પર 59 એકર જગ્યામાં નવી જેલ બનવાની શક્યતા

રાજકોટમાં કોર્ટ બાદ હવે મધ્યસ્થ જેલનું સ્થળાંતર પણ કરવામાં આવવાનું છે. જામનગર રોડનાં ન્યારા નજીક 59 એકર જગ્યામાં નવી જેલ બનાવવામાં આવે એવી પૂરતી શક્યતા છે. જોકે, હાલ આચારસંહિતા હોવાથી ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ જેલનાં નવનિર્માણની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હાલની જેલમાં ક્ષમતા કરતા વધુ કેદી હોવાના કારણે જેલ પ્રશાસન દ્વારા 70 એકર જેટલી જગ્યા માટે માગ કરવામાં આવી હતી, જેની સામે 59 એકર જગ્યા ફાળવવામાં આવનાર છે.

જેલ પ્રશાસનનાં જણાવ્યા અનુસાર પોપટપરા ખાતે આવેલી રાજકોટ સેન્ટ્રલ જેલ 125 વર્ષ કરતા વધારે જૂની છે. આ જેલમાં 1147 પુરુષ અને 85 મહિલા કેદીઓ સહિત કુલ 1232 કેદીઓની ક્ષમતા છે. જોકે, હાલ કેદીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થતાં જેલમાં 2176 પુરુષ અને 84 મહિલા કેદીઓ સહિત 2260 કેદીઓ છે. જેને લઈને સ્વાભાવિક રીતે જેલ નાની પડી રહી છે અને કેદીઓને રાખવામાં ઘણી મુશ્કેલીઓ થઈ રહી છે.

રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતેથી ગત 16-12-2023થી કલેક્ટર તંત્રને આ માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં પડધરી તાલુકાનાં ન્યારા ગામ આસપાસ કુલ 70 એકર જેટલી જગ્યા ફાળવવા જણાવાયું હતું. બાદમાં ગત તા. 27-02-24નાં રોજ કલેક્ટર દ્વારા મહેસૂલ વિભાગ ગાંધીનગરનાં ઉપસચિવ સમક્ષ આ દરખાસ્ત મૂકવામાં આવી હતી. સામાન્ય રીતે હોસ્પિટલ તેમજ કોર્ટ નજીક જેલ હોવી જોઈએ. જેથી, નવી કોર્ટ પાસેના ન્યારા આસપાસ જમીનની માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *