ભારત સરકારના ઇસરો દ્વારા અવકાશ વિજ્ઞાનમાં રુચિ ધરાવતા લોકો માટે સૂર્યમંડળ વિશે માહિતી આપતા ‘એક્સપ્લોરેશન ઓફ સોલાર સિસ્ટમ’ નામના ઓનલાઈન કોર્સની શરૂઆત થશે. આ માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર કચેરીને મુખ્ય નોડલ સંસ્થા અને આ કચેરી હેઠળ કાર્યરત રિજિયોનલ સાયન્સ સેન્ટર રાજકોટને પેટા નોડલ સેન્ટર તરીકે નીમવામાં આવી છે.
આ ઓનલાઈન કોર્સમાં ભાગ લેવા માટે નિયત લિંક https://elearning.iirs.gov.in/edusatregistration/student ઉપર તા.19 એપ્રિલ સુધીમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ કાર્યક્રમ તા.24 એપ્રિલથી 10 મે સુધી યોજાશે. જેનો સમય બપોરે 3થી સાંજે 5.30 કલાકનો રહેશે. આ કોર્સમાં ઇસરોના વિવિધ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો દ્વારા અંતરીક્ષ અને સૂર્યમંડળ વિશે આશરે 20 જેટલા ઓનલાઈન લેક્ચર દ્વારા માહિતી અપાશે.
આ કોર્સમાં ભાગ લેવા ત્રણ કેટેગરી નિયત કરી છે. જેમાં પ્રથમ કેટેગરીમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી આધારિત કોર્સ (ફિઝિક્સ, કેમિસ્ટ્રી, કમ્પ્યૂટર સાયન્સ, મિકેનિકલ, ઓટોમેશન, ઇલેક્ટ્રોનિક્સ એપ્લાઈડ મિકેનિક્સ, રેડિયો ફિઝિક્સ અને અન્ય સંબંધિત વિષયો વગેરે) માં માસ્ટર ડિગ્રીમાં અભ્યાસ કરતા તેમજ આ વિષયોના ગ્રેજ્યુએશનમાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.બીજી કેટેગરીમાં અન્ય વિદ્યાર્થીઓ કે વ્યક્તિ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે જે માટે તેઓને પાર્ટિસિપેશન સર્ટિફિકેટ મળશે. કેટેગરી એક અને બે માટે ઓનલાઈન ઈ-ક્લાસમાં જોડાવાનું રહેશે જેમાં 70% હાજરી ફરજિયાત છે. સાયન્સ સેન્ટર-રાજકોટ ખાતે પણ આ કોર્સના ઓનલાઈન સેશનની વ્યવસ્થા કરવામાં આવશે જે નિ:શુલ્ક રહેશે.