દિલ્હી સરકારના સમાજ કલ્યાણમંત્રી રાજકુમાર આનંદે બુધવારે મંત્રીપદ અને આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું, ‘મને ક્યાંયથી કોઈ ઓફર મળી નથી.
તેમણે કહ્યું, ‘હું આજે ખૂબ જ દુઃખી છું. રાજકારણ બદલાશે તો દેશ બદલાશે. AAPનો જન્મ ભ્રષ્ટાચાર સામે થયો હતો. AAP પરના આરોપોથી દુઃખી થઈને હું રાજીનામું આપી રહ્યો છું. હું પાર્ટીની ભ્રષ્ટાચાર નીતિ સાથે સહમત નથી. EDએ નવેમ્બર 2023માં આનંદ સાથે સંકળાયેલાં ઠેકાણાં પર પણ દરોડા પાડ્યા હતા.
AAPમાં દલિત ધારાસભ્યો કે કાઉન્સિલરોનું સન્માન નથી
રાજકુમારે કહ્યું હતું કે AAPમાં દલિત ધારાસભ્યો કે કાઉન્સિલરો માટે કોઈ સન્માન નથી. દલિતોને મુખ્ય હોદ્દા પર સ્થાન આપવામાં આવતું નથી. હું બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતોને અનુસરનારી વ્યક્તિ છું, જો હું દલિતો માટે કામ ન કરી શકું તો પાર્ટીમાં રહેવાનો કોઈ અર્થ નથી.
આનંદ દિલ્હીના પટેલ નગરના ધારાસભ્ય છે. તેઓ જાટવ સમુદાયમાંથી આવે છે. રાજેન્દ્ર પાલ ગૌતમના રાજીનામા બાદ વર્ષ 2022માં આનંદને કેજરીવાલ સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. સામાજિક કલ્યાણ વિભાગ સંભાળતા રાજેન્દ્રએ ધાર્મિક લાગણી ભડકાવવાના આરોપો વચ્ચે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.