રાજકોટમાં અંબિકા ટાઉનશીપ નજીક રહેતાં અને સ્ક્રેપનો ધંધો કરતાં કલ્પેશભાઈ રાણપરીયા એક વર્ષ માટે મુંબઇ ગયા હતા. આ દરમિયાન તેમની સાથે ધંધો કરતાં અક્ષય પીપળીયાએ CA ગૌરવ પીઠડીયા પાસેથી 5 હજારમાં કલ્પેશભાઈની પેઢીના GST આઈડી પાસવર્ડ મેળવી માર્ચથી ઓગસ્ટ-2023 સુધીમાં રૂ.12.77 કરોડના બિલ ઉધારી છેતરપીંડી આચરતા એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. આ બનાવ અંગે રાજકોટમાં અંબિકા ટાઉનશીપ માર્ગ નં-2 નંદન હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતાં કલ્પેશભાઈ મોહનભાઈ રાણપરીયા (ઉ.વ.39) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગૌરવ કિરીટ પીઠડીયા અને અક્ષય જેન્તી પીપળીયાનું નામ આપતાં એ ડિવિઝન પોલીસે છેતરપીંડી, IT એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કોઠારીયા સોલવન્ટ મહમદબાગના ગેઇટ પાસે કલ્પેશ ટ્રેડીંગ નામના ડેલામાં ભંગારની લે-વેચ કરે છે. આશરે અઢી વર્ષ અગાઉ ઢોલરામાં ભંગારની લે-વેચ કરતા અક્ષય પીપળીયા પાસેથી રૂ. 8 લાખનો બીડનો ભંગાર વેચાણથી ખરીદ કરેલ હતો. જે પેટે રૂ. 8 લાખનો ચેક અક્ષય પીપળીયાને આપેલ હતો. જેમાં રૂ. 4 લાખનો ભંગારનો માલ ખરાબ હતો, જેથી તેના ભંગારનો માલ પરત કરેલ હતો અને બાદમાં કામ ધંધો સારો ચાલતો ન હતો એટલે તેઓ સ્ક્રેપના કામ કાજ અર્થે મુંબઇ ગયા અને ત્યાં થોડા દિવસ રોકાયા. ત્યાં સ્ક્રેપનો ધંધો ચાલુ કરેલ હતો.