રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અચાનક ઇમરજન્સી સિવાય રીક્ષા અને ખાનગી વાહનો પાર્ક કરવાની મનાઈ કરવામાં આવી છે. જેને કારણે દર્દીઓ તેમજ રીક્ષાચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ નિર્ણય હોસ્પિટલમાં થતી ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે લેવામાં આવ્યો હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ જરૂર પડ્યે અમુક રીક્ષાને પાર્કિંગની મંજૂરી આપવા માટે વિચારણા કરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.
મળતી માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલમાં આવતા-જતા દર્દીઓ માટે હવે નવી મુસીબત ઊભી થયાની ફરિયાદો ઉઠી છે. તંત્રએ ઓટો રીક્ષાના પાર્કિંગ પર બ્રેક મારી દેતા વૃદ્ધ-અશક્ત અને ચાલી ન શકે તેવા દર્દીઓને બહારથી સંબંધિત વોર્ડ વિભાગ પહોંચાડવામાં ભારે હાલાકી થઇ રહી છે. સિવિલની પોલીસ ચોકી પાસે જગ્યા હોવા છતાં રીક્ષા પાર્કિંગ બંધ કરાયું છે. જ્યારે ચૌધરી હાઈસ્કૂલ મેદાનમાં દીવાલ બનાવી દેવાય છે. જેને લઈ રીક્ષાચાલકો રસ્તા ઉપર ઉભા રહેવા મજબૂર બન્યા છે. જોકે ત્યાં પણ પોલીસની મનાઈ હોવાથી નજીકમાંથી રીક્ષા મળવી મુશ્કેલ બની જાય છે.