રાજકોટ મહાનગરપાલિકા અને યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલોપમેન્ટ અંતર્ગત એશિયા રેઝિલિયન્ટ સિટીઝ પ્રોજેક્ટ દ્વારા રાજકોટને ક્લાઈમેટ ચેન્જનાં ખતરાથી બચાવવા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ગયા વર્ષે અનેક વર્કશોપ અને પરામર્શ પછી, RMC અને ARC એ રાજકોટમાં શહેરી વિકાસના પડકારોને પાર પાડવા માટે કરાર કર્યા છે. જેમાં રહેવાસીઓ, સરકારી અધિકારીઓ, નાગરિક સમાજ, શિક્ષણવિદો તેમજ ખાનગી ક્ષેત્ર સાથે મળીને 4 વર્ષની કાર્યયોજનાને રૂપરેખા અપાઈ છે. આજે RMC અને ARC બંનેના પ્રતિનિધિઓએ સમજૂતીના મેમોરેન્ડમ (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા.
રાજકોટ મ્યુ. કમિશ્નર આનંદ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, આપણા દેશમાં ક્લાઈમેટ ચેન્જની અસરો રોકવા માટે પગલા લેવામાં રાજકોટ સૌથી આગળ છે. શહેરનો વિસ્તાર વધે છે તેમ આપણે પર્યાવરણ માટે ફાયદાકારક, આર્થિક વૃદ્ધિ તેમજ નાગરિકો માટે ઉચ્ચ જીવનક્ષમતા સુનિશ્ચિત કરવી જોઈએ. જેમાં ARC મદદરૂપ બનશે. આ પ્રોજેકટ અંતર્ગત ઇકો સ્કૂલ પ્રોજેકટને પ્રોત્સાહન આપવામાં આવશે. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને પાણીના સંરક્ષણ, મૂળ વૃક્ષારોપણ, ઘન કચરાના વ્યવસ્થાપન અને 3R (ઘટાડો, પુનઃઉપયોગ, રિસાયકલ) સિદ્ધાંતો વિશે તાલીમ આપવામાં આવશે.
ARC મહત્વના મુદ્દાઓ પર RMC અધિકારીઓની કાર્યક્ષમતા વધારવા માટે કાર્ય કરશે, જેમાં વરસાદી પાણીનો સંચય (rainwater harvesting), ટ્રીટેડ વેસ્ટ વોટરનો પુનઃઉપયોગ, સ્પોન્જ સિટી (Sponge City) પહેલને ટેકો આપવો, સામાજિક અને વર્તણૂક પરિવર્તન (SBC) માટે સલાહકારોની ભરતીને પ્રોત્સાહન આપશે. રાજકોટ ભારતમાં climate resilient શહેર બનવાની ક્ષમતા ધરાવે છે. આ ક્ષમતાનો ઉપયોગ કરવા બાબતે આજે થયેલા કરાર મહત્વનો ભાગ ભજવશે.