રાઉઝ એવન્યુ કોર્ટે લિકર પોલિસી કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ED કસ્ટડી વધુ 4 દિવસ લંબાવી છે. આ પહેલાં કોર્ટમાં 39 મિનિટ સુધી સુનાવણી ચાલી હતી. કેજરીવાલે પોતે આ કેસની દલીલ કરી હતી. આમ કરનાર તેઓ દેશના પહેલા સિટિંગ સીએમ બન્યા છે.
EDએ કોર્ટ પાસે કેજરીવાલની વધુ 7 દિવસની કસ્ટડી માગી હતી. દલીલો સાંભળ્યા બાદ રાઉઝ એવન્યુ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટમાં સુનાવણી બપોરે 1.59 વાગ્યે શરૂ થઈ અને 2.39 વાગ્યે સમાપ્ત થઈ.
આ તરફ, જ્યારે કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા હતા, ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે એલજીએ કહ્યું હતું કે જેલમાંથી સરકાર નહીં ચાલે. તેના જવાબમાં કેજરીવાલે કહ્યું કે આ એક રાજકીય ષડ્યંત્ર છે, જનતા તેનો જવાબ આપશે.
દારૂ નીતિ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ (ACJ) એ મામલે દખલગીરી કરવાનો ઇનકાર કર્યો છે.
ACJ મનમોહને કહ્યું, “આ અરજી પર અમારે સુનાવણી ન કરવી જોઈએ. આ મામલે ન્યાયતંત્રે દખલગીરી કરવી જોઈએ નહીં.” દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે કે આ એક રાજકીય મામલો છે, જે ન્યાયતંત્રના દાયરામાં નથી આવતો.