PSIએ બે જોડી બૂટ ખરીદી 2000ની નોટ આપતા દુકાનદારે લેવાની સ્પષ્ટ ના પાડી દીધી

રૂ.2 હજારની નોટ હજુ ચલણમાં હોવા છતાં અનેક વેપારીઓ નોટ સ્વીકારતા નથી, આવું જ કૃત્ય કરનાર શહેરના એક વેપારીને મોંઘું પડ્યું હતું. પીએસઆઇ સોનારાએ બે જોડી બૂટ ખરીદ કર્યા બાદ રૂ.2 હજારની નોટ આપતા વેપારીએ નોટ નહીં સ્વીકારતા ફોજદાર સોનારાએ આ મામલે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ બી.પી. સોનારાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની પુત્રીના ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ જવાનું હોય પોતે એક દિવસની રજા પર હતા અને પોતાને બૂટની જરૂરિયાત હોવાથી રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે આવેલી અજન્તા ફૂટવેર નામની દુકાને ગયા હતા અને ત્યાંથી બે જોડી બૂટ ખરીદ કર્યા હતા અને તેનું રૂ.4320નું બિલ બનતા કાઉન્ટર પર બિલ ચૂકવવા ગયા હતા અને રૂ.2 હજારની નોટ આપતાં કાઉન્ટર પરના કર્મચારીએ અમે રૂ.2 હજારની નોટ સ્વીકારતા નથી તેમ કહ્યું હતું અને સામેના કાઉન્ટર પર અંગ્રેજીમાં લખ્યું હતું કે,‘વી ડોન્ટ એક્સેપ્ટ એ નોટ ઓફ રૂ.2000’. જેથી પીએસઆઇ સોનારાએ કાઉન્ટર પરના કર્મચારીને કહ્યું હતું કે, તમે આવું સ્ટિકર લગાવી ન શકો, તો તેમણે કહ્યું હતું કે, અમારા મેનેજર અલ્પેશભાઇ પાદરિયાએ રૂ.2 હજારની નોટ લેવાની ના કહી છે.

પીએસઆઇ સોનારાએ મેનેજર પાદરિયાને ફોન કરીને વાત કરતાં પાદરિયાએ પણ રૂ.2 હજારની નોટ લેતા નથી તેમ કહેતાં પીએસઆઇ સોનારાએ કહ્યું હતું કે, આરબીઆઇએ કરેલી જાહેરાત મુજબ 30 સપ્ટેમ્બર 2023 સુધી રૂ.2 હજારની નોટ ચલણમાં છે તમારે સ્વીકારવી પડે અન્યથા તમારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી પડશે તો શો-રૂમના મેનેજર પાદરિયાએ કંઇ વાંધો નહીં તેમ કહેતા પીએસઆઇ સોનારાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પીસીઆર બોલાવી હતી અને તેની સમક્ષ લેખિતમાં ફરિયાદ આપી હતી. યુનિવર્સિટીના પીઆઇ રોજિયાએ કહ્યું હતું કે, હજુ સુધી તેમની પાસે અરજી આવી નથી આવશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *