સસ્તા અનાજના દુકાનદારો અને સરકાર વચ્ચે 9મા દિવસે સમાધાન

રાજ્ય સરકાર દ્વારા રૂ.20 હજાર કમિશન માટે 97 ટકા ઓનલાઇન વિતરણની શરત રદ કરવાના મુદ્દે 17000 જેટલા સસ્તા અનાજના વેપારીઓએ છેલ્લા 9 દિવસથી લડતના મંડાણ કર્યા હતા અને પુરવઠા તંત્રના અધિકારીઓએ લડત તોડી પાડવા અનેક પ્રયાસો કર્યા બાદ અંતે બુધવારે ગાંધીનગર ખાતે પુરવઠા સચિવ અને સસ્તા અનાજના વેપારીઓના બે એસોસિએશનના હોદ્દેદારો વચ્ચે યોજાયેલી બેઠકમાં સમાધાન થયું હતું અને ગુરુવારથી દુકાનો ખોલી નાખવા વેપારીઓએ સંમતિ આપી હતી.

ઓલ ગુજરાત ફેરપ્રાઇસ શોપ એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના બન્ને એસોસિએશનના હોદ્દેદારોની પુરવઠા સચિવ અને નિયામક સાથે બેઠક યોજાઇ હતી અને તેમાં મિનિમમ રૂ.20 હજાર કમિશન મેળવવા 93 ટકા વિતરણની માગણી સરકારમાં મોકલવાની સહમતી સધાઇ છે. તેમજ વેપારીઓને કમિશન રૂ.150 પરથી વધારીને રૂ.300 કરી આપવા મુદ્દે પણ પુરવઠા નિયામકે સરકારમાં દરખાસ્ત કરવાની ખાતરી આપી છે. આ ઉપરાંત 1 ટકો વિતરણ ઘટ આપવા માટે 1989નો પરિપત્ર લાગુ કરવા રજૂઆત કરાઇ હતી. જેના માટે પણ પુરવઠા વિભાગને સહમતી આપી છે. આમ ત્રણેય પ્રશ્નોનો સુખદ નિવેડો આવતા અસહકાર આંદોલન સ્થગિત રાખવા નિર્ણય કરાયો છે અને હવે ગુરુવારથી રાજકોટના 700 સહિત રાજ્યના 17000 સસ્તા અનાજના દુકાનદારો દુકાન ખોલી નાખશે. તમામ વેપારીઓને ચલણ જનરેટ કરવા પૈસા ભરી દેવા અને જથ્થો ઉપાડી લેવા સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *