રાજકોટના માધાપર ચોકડી પાસે સુંદરમ સિટીની નજીક રેલનગર રોડ પાસે આવેલા માતૃ એસ્ટિલા બિલ્ડિંગના રહેવાસીઓએ માતૃ રિયાલિટી એલએલપીના નામથી ચાલતી પેઢીના ભાગીદારોએ પરમિશન પહેલાં ગેરકાયદે ખર્ચ વસૂલ્યાની, ફાયર એનઓસી રિન્યૂ નહીં કરાવવા અંગે અને ફાયર ટેન્ક નહીં બનાવવા બદલ રેરામાં ફરિયાદ કરી છે.
આ ફરિયાદમાં જણાવ્યું છે કે, માતૃ રિયાલિટી એલએલપીના ભાગીદારોએ ગાંધીનગર રેરામાં પોતાનો પ્રોજેક્ટ રજિસ્ટર કરાવી તા.14-9-2018થી માતૃ એસ્ટિલા બિલ્ડિંગ બનાવેલ છે. જેમાં કુલ 96 ફ્લેટ બનાવ્યા છે. જે અન્વયે રેરાના પ્રોવિઝનો મુજબ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ તરફથી ફોર્મ નં.9 વપરાશ અંગેનું પ્રમાણપત્ર તા.30-7-2021નું છે. તેની પહેલાંના સમયમાં જે જનરલ ખર્ચ થતો હોય તે ચૂકવવાની જવાબદારી બિલ્ડરની થતી હોવા છતાં કુલ રૂ.4,43,168 કમિટીના ખર્ચમાં લઇ કમિટીના હિસાબમાં વસૂલી લીધેલા છે. બ્રોસરમાં જણાવ્યા પ્રમાણે તથા જાહેર કરેલા મુજબ પાણીના ચારેચાર બોર ફુલ્લી એક્ટિવ કરેલા નથી. ફાયર એનઓસી રિન્યૂ કરાવેલ નથી કે રિન્યૂ કરવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે તે લાગુ ડિપાર્ટમેન્ટમાં અરજી પણ કરેલ નથી. કાર્બનડાયોકસાઇડ ગેસના જે સિલિન્ડર રાખવામાં આવેલા છે તે પણ નોન આઇએસઆઇ સ્ટાન્ડર્ડના છે અને જે તે સમયે બીયુ લેતા પહેલાં, ફાયર એનઓસી લેતી વખત તેના ઉપર આઇએસઆઇ સ્ટાન્ડર્ડના સ્ટિકર લગાવી ફાયર એનઓસી મેળવવામાં આવ્યાનો આક્ષેપ કરાયો છે.
આ બિલ્ડિંગનો વહીવટી માતૃ રિયાલિટી એલએલપીના નામથી ચાલતી પેઢી તથા તેના ભાગીદારોએ જ્યારે માતૃ એસ્ટિલા ઓનર્સ એસોસિએશને તા.29-9-2023ના રોજ સોંપણી કરેલ ત્યારે રૂ.13,57,989 માતૃ એસ્ટિલા ઓનર્સ એસોસિએશનના બેન્ક ખાતામાં જમા કરાવેલ નથી. બિલ્ડિંગમાં જે ફાયર લાઇન નાખવામાં આવેલી છે તેની ફાયર લાઇનનું પાણી માટે અલગથી પાણીનો ટાંકો હોવો જોઇએ તે બિલ્ડર પેઢીએ બનાવ્યો જ નથી. તેમજ આ ફાયર લાઇનની પાણી ચકાસવામાટે ઇલેક્ટ્રિક મોટર જે છે તે ચાલુ હાલતમાં છે કે કેમ તેની કોઇ ચકાસણી માતૃરિયાલિટી એલએલપીના નામથી ચાલતી પેઢી તથા તેના ભાગીદારો દ્વારા કરવામાં આવેલ નથી.