ઇન્દિરા સર્કલ પાસે બુધવારે બનેલી અકસ્માતની ઘટના બાદ મહાનગરપાલિકાએ આઉટ સોર્સિંગથી ચાલતી તમામ સેવાઓ માટે નવા નિયમો બનાવી અમલી કરી દીધા છે અને તેમાં પણ ખાસ કરીને સિટી બસ સેવાનું મોનિટરિંગ કરવા 18 ટીમો બનાવી તેમાં 93 અધિકારીઓને જવાબદારી સોંપી 224 સિટી બસનો રોજે-રોજનો રિપોર્ટ આપવા તાકીદ કરી છે. રાજકોટ રાજપથ લી.ના. મેનેજર મનીષ વોરાએ જણાવ્યું હતું કે, બુધવાર જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે અને તેના ભાગરૂપે 80 રૂટ પર દોડતી 100 સીએનજી અને 124 ઇલેક્ટ્રિક બસ એમ કુલ 224 બસના મોનિટરિંગ માટે વોર્ડવાઇઝ 1-1 ટીમ એટલે કે 18 ટીમ બનાવી કુલ 93 અધિકારીઓના ઓર્ડર કરાયા છે અને તેમને 5-5 રૂટની જવાબદારી સોંપાઈ છે.
રાજકોટમાં સિટી બસની થયેલી દુર્ઘટનાને ધ્યાને લેતાં અત્રેના ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) જ્યાં શહેરમાં ઇન્સ્ટોલ તમામ કેમેરાનું લાઇવ સ્ટ્રિમિંગ તેમજ મોનિટરિંગ થાય છે ત્યાં અલગથી મેનપાવર રાખી શહેરમાં ચાલતી તમામ 224 સિટી બસ સલામત રીતે વહન થાય તે માટે મોનિટરિંગ કરાશે. સિટી બસ અને BRTS બસ સેવાના સંચાલનના સુદ્દઢ મોનિટરિંગ માટે ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ખાતે પ્રતિ શિફ્ટ 2 વ્યક્તિ લેખે કુલ 4 કર્મચારી મુકાશે. આ કર્મચારી દ્વારા બસના ઓવરસ્પિડ, મીસ-બસ સ્ટોપ, સિગ્નલ બ્રિચ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ તેમજ બસ તેના ટાઇમટેબલ પ્રમાણે ચાલે છે કે નહીં તેનું મોનિટરિંગ કરશે. જો કોઇ વાહન ઉપર જણાવેલ કોઇ નિયમ ઉલ્લંઘન કરતું જણાય તો તાત્કાલિક બસ સંચાલક અને જનરલ મેનેજરને જાણ કરશે.