900થી વધુ શાળાઓમાં આજે વિદ્યાર્થી જ શિક્ષક

ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા પછી સૌથી મહત્ત્વનું સ્થાન ગુરુનું હોય છે. આજે દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે રાજકોટ જિલ્લાની આશરે 900થી વધુ ખાનગી શાળાઓમાં પણ જુદી જુદી રીતે આજના દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. મોટાભાગની શાળાઓમાં આજે વિદ્યાર્થીઓ જ શિક્ષકની ભૂમિકા ભજવશે. ખાનગી શાળાઓમાં પટાવાળાથી લઈને ક્લાર્ક, સુપરવાઈઝર, શિક્ષક, આચાર્ય, શાળાના ટ્રસ્ટી સુધીનો રોલ આજે વિદ્યાર્થીઓ જ ભજવશે.

રાજકોટ જિલ્લાની ખાનગી શાળાઓમાં શિક્ષક દિવસ માટે વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસથી તૈયારીઓ કરી રહ્યા હતા. આજે સવારથી જ શાળાનું તમામ સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવશે. જુનિયર કેજીથી લઈને ધો.12 સુધી વિદ્યાર્થીઓ અન્ય બાળકોને સવારે પ્રાર્થના કરાવશે, ત્યારબાદ જુદા જુદા પિરિયડ લેવાશે. ક્લાસ ટીચર, વિષય નિષ્ણાત શિક્ષક તરીકેની જવાબદારી આજે વિદ્યાર્થીઓ જ નિભાવીને ક્લાસરૂમમાં બાળકોને ભણાવશે. ગુજરાતી હોય કે હિન્દી, ગણિત હોય કે વિજ્ઞાન, કમ્પ્યૂટર હોય કે શારીરિક શિક્ષણ આ તમામ વિષયનો અભ્યાસ આજે શિક્ષકોને બદલે વિદ્યાર્થીઓ જ ભણાવશે. કેટલીક શાળાઓમાં આજે અડધો દિવસ જ શિક્ષણ કાર્ય કરાવાશે. શ્રેષ્ઠ ભૂમિકા નિભાવનાર બાળકોનું શાળામાં સન્માન પણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *