રાજકોટના વોર્ડ નં.1માં “નિર્મળ ગુજરાત-2.0” અંતર્ગત સફાઈ મહાઝુંબેશ યોજવામાં આવી હતી. આ વોર્ડમાંથી 50 ટન કચરાનો અને 40 ટન સી. એન્ડ ડી. વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો તો વોર્ડ નં.1થી 18ના 11 મંદિરોની સફાઈ કરવામાં આવી હતી. વોર્ડ નં.1માં સફાઈ મહાઝુંબેશમાં કોર્પોરેટરો અલ્પેશ મોરજરીયા અને દુર્ગાબા જાડેજા જોડાયા હતા.
વોર્ડ નં.1માં લાખના બંગલા વાળો રોડ, રૈયાધાર, એરોડ્રામ રોડ, સ્લમ ક્વાર્ટર, વર્ધમાનનગર, ઘંટેશ્વર અને ધર્મનગરવિગેરે વિસ્તારમાંથી 50 ટન કચરાનો અને 40 ટન સી. એન્ડ ડી. વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. એસ.આર.પી. કેમ્પ પાસેના વોંકળાની સફાઈ કરાઈ હતી. જેમાં 339 સફાઈ કર્મચારીઓ, 5 JCB, 10 ડમ્પર, 3 જમ્બો ટીપર વાન અને 3 ટ્રેકટર દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત જશોદા ચોક સહીત અન્ય વિવિધ વિસ્તારમાં MLO છંટકાવ, ગાંધીગ્રામ વિસ્તારોના ઘરોમાં ફોગીંગ, ગાંધીગ્રામના 375 ઘરોમાં મચ્છરના પોરા નાશ, 35 ઘરોમાં ગપ્પી માછલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત બાંધકામ શાખા દ્વારા રામાપીર ચોકડી, એસ.કે.ચોક અને ગાંધીગ્રામ વિસ્તારમાં 10 સ્ક્રીન ચેમ્બરની સફાઇની કામગીરી કરવામાં આવી હતી તો ગાર્ડન શાખા દ્વારા આ જ વોર્ડના વિવિધ વિસ્તારમાંથી ઝાડ-પાન તેમજ ડાળીઓના કચરાનો નિકાલ કરવામાં આવ્યો તેમજ વોર્ડ ઓફિસ પાસે, વિશ્વેશ્વર મહાદેવ અને ગૌતમનગર વિસ્તારના ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જયારે દબાણ હટાવ શાખા દ્વારા આ વોર્ડના મેઈન પરથી નડતરરૂપ 185 બેનરો/બેનરોજપ્ત કરવાની કામગીરી કરવામાં આવ્યા હતા.