ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે રાજકોટ જિલ્લાની જસદણ મોડેલ સ્કૂલ ખાતે શિક્ષકોની વિષય સજ્જતા તાલીમનો શુભારંભ કરાયો હતો. જી.સી.ઇ.આર.ટી., ગાંધીનગર દ્વારા જસદણ અને વીછિયા તાલુકાની 42 માધ્યમિક શાળાઓના ગણિત, વિજ્ઞાન અને ઈંગ્લીશ વિષયના કુલ 90 શિક્ષકને કી રીસોર્સ પર્સનના માધ્યમથી વિષય સંબંધિત માર્ગદર્શન આપવાના હેતુસર આ બે દિવસીય તાલીમ યોજાઈ છે.
આ પ્રસંગે મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા. આ કહેવતને સાબિત કરતા અનેક વિશિષ્ટ વ્યક્તિઓ શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન આપીને દેશમાં સર્વોચ્ય સ્થાને પહોંચ્યા છે. જીવનમાં શિક્ષક તરીકે સફળ થવા નિષ્ઠા અને પ્રમાણિકતાથી ફરજ નિભાવવી જોઈએ. જસદણ-વિંછીયા પંથકમાં છેવાડાના ગામોમાં પણ પ્રાથમિક અને માધ્યમિક સરકારી શાળાઓ છે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષય માટે રસ કેળવાય અને તેઓ વિજ્ઞાન પ્રવાહ બાજુ વળે, તે માટે વિજ્ઞાન પ્રવાહની શાળા પણ કાર્યરત છે. ત્યારે શિક્ષકો માટે આ તાલીમ વિદ્યાર્થીઓને તેમના જ્ઞાન અને અનુભવના નિચોડનો લાભ વધુ કૌશલ્યપૂર્ણ રીતે આપવા ઉપયોગી થશે.રાજકોટ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય પ્રજ્ઞાબેન રાદડિયાએ પ્રવચન કર્યું હતું.