વિદ્યાર્થીઓના APAAR ID બનાવવાની મુદતમાં વધારો કરવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડીંડોરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે હાલ શાળાઓમાં અપાર આઈડીની કામગીરી ચાલી રહે છે જેમાં આશરે 90% જેટલા વિદ્યાથીઓના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટમાં સુધારા-વધારા કરવાની જરૂર છે પરંતુ છતાં શાળાઓમાં દબાણ કરીને અપાર આઈડીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં અપાર આઈડીની વિગતો અને વિદ્યાર્થીના આધારકાર્ડની વિગતોમાં વિસંગતતા થઇ શકે છે. જેથી શાળાઓમાં આધારકાર્ડમાં સુધારા કરવાની વધારાની કિટ ફાળવવા અને અપાર આઈડી જનરેટ કરવાની મુદ્દત વધારી આપવા માંગણી કરી છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમીનકુમાર પટેલે શિક્ષણમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ રાજયની પ્રાથમિક શાળાઓમાં APAAR ID બનાવવાની કામગીરી ચાલુ છે. જે માટે જરૂરી ડોક્યુમેન્ટ વિદ્યાર્થીઓના આધારકાર્ડમાં વયપત્રક કે જન્મના પ્રમાણપત્ર મુજબ અટક, નામ, પિતાનું નામ કે જન્મતારીખ વિગેરેમાં 90% જેટલા વિદ્યાર્થીના આધારકાર્ડમાં સુધારા વધારાની જરૂર છે. તેમ છતાં વિવિધ જિલ્લા/તાલુકાઓમાં શાળાઓને દબાણ કરી ક્ષતિવાળા આધારકાર્ડ મુજબ Udise+ માં સુધારા કરાવી તે મુજબ 100% APAAR ID બનાવી દેવા મૌખિક સૂચના આપવામાં આવેલ છે. અમુક તાલુકા શાળા કે પે સેન્ટરમાં કેમ્પ યોજી કામ પૂર્ણ કરાવવામાં આવી રહ્યું છે.