રાજકોટમાં 10 દિવસ પહેલાં વરસાદ પડ્યા બાદ ફરીથી માત્ર વાદળછાયું વાતાવરણ છે અને હવે તો ઝાપટાં પડતા પણ બંધ થઈ ગયા છે. આ પેટર્નને કારણે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે અને એક સપ્તાહમાં ડેન્ગ્યુના 9 કેસ આવ્યા છે.
મનપાની આરોગ્ય શાખાના જણાવ્યા મુજબ, તા.22થી 29 જુલાઈ દરમિયાન મલેરિયાનો એક અને ચિકનગુનિયાના કેસમાં હવે રાહત મળી છે જ્યારે ડેન્ગ્યુના 9 કેસ સામે આવ્યા છે. જે ચાલુ વર્ષે સપ્તાહમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. તબીબોના મતે વરસાદ થંભી ગયા બાદ છત અને બગીચાઓ જમા થયેલા પાણીમાં મચ્છર ઈંડાં મૂકે છે અને જો તે સાફ કરવામાં ન આવે તો આ મચ્છરના ઈંડાં પોરા અને ત્યારબાદ પુખ્ત મચ્છર બનવામાં સપ્તાહ જેટલો જ સમય લે છે અને તેને કારણે મચ્છરોની બ્રીડિંગ સાઇકલ પૂરી થઇ જતા જ મચ્છરોની સંખ્યા વધે છે જેથી રોગચાળો પણ વધે છે. બીજી તરફ શહેરમાં ઓછા વરસાદથી પાણીજન્ય રોગચાળો પણ વધ્યો છે અને એક જ સપ્તાહમાં ટાઈફોઈડના 6 કેસ આવ્યા છે તે પણ ચાલુ વર્ષનો સૌથી મોટો આંક છે.