રાજકોટ શહેરમાં કોરોના મહામારીના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. સતત ત્રીજા દિવસે શહેરમાં કોરોનાના 9 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંકડો 51ને આંબી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 91 કેસ નોંધાયા છે અને તેમાંથી 44 દર્દી સાજા થઇ ગયા છે. રવિવારે નોંધાયેલા કોરોનાના કેસમાં એકપણ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જ્યારે એક 85 વર્ષના વૃદ્ધને બાદ કરતાં અન્ય તમામ દર્દીઓએ વેક્સિનેશનના 2થી 3 ડોઝ લીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર વોર્ડ નં.7માં કિસાનપરા ચોકમાં 36 વર્ષના મહિલા, વોર્ડ નં.2માં પ્રગતિ સોસાયટીમાં 50 વર્ષની મહિલા અને 16 વર્ષની કિશોરી, વોર્ડ નં.3માં નેહરુનગરમાં 64 વર્ષના વૃદ્ધ, વોર્ડ નં.10માં સરકારી વસાહત ક્વાર્ટરમાં 63 વર્ષના વૃદ્ધા, વોર્ડ નં.6માં શક્તિ સોસાયટીમાં 47 વર્ષની મહિલા, ભોમેશ્વરમાં 69 વર્ષના વૃદ્ધ, વોર્ડ નં.9માં હરિનગરમાં 85 વર્ષના વૃદ્ધ અને એ.જી. સોસાયટી પાસે 69 વર્ષના વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાં એ.જી. સોસાયટીમાં રહેતા વૃદ્ધ વેન્ટિલેટર પર છે. જ્યારે બાકીના 8 દર્દીની હાલત સ્ટેબલ છે. એક દર્દી ઘણા સમયથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા છે ત્યાં વધુ એક દર્દીને દાખલ કરી વેન્ટિલેટર પર રાખવામાં આવતા કોરોના હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી.