9 મહિનામાં ટ્રેનમાંથી સામાન ચોરી થઇ જવાના 6200થી વધુ કેસ દાખલ થયા

ટ્રેનમાંથી યાત્રિકોના સામાન ચોરી થઇ જવાની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે પશ્ચિમ રેલવેમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024 સુધીમાં ટ્રેનમાંથી સામાન ચોરી થવાના 6200થી વધુ કેસ નોંધાયા છે જેની સામે આરપીએફ અને જીઆરપી દ્વારા 1300થી વધુ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ટ્રેનમાં યાત્રા દરમિયાન લોકોનો સામાન ચોરી થતો અટકાવવા અને જાગૃતિ કેળવવા આરપીએફ દ્વારા વિશેષ વીડિયો બનાવીને ફરતા કર્યા છે. ઠેર ઠેર QR કોડ લગાવ્યા છે જે સ્કેન કરવાથી યાત્રિકો આ જાગૃતિના વીડિયો જોઈ શકશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક જણાવે છે કે, RPFએ મુસાફરોને ખોવાયેલો સામાન શોધવા, મુસાફરોના જીવ બચાવવા, બદમાશો સામે પગલાં લેવા, ગુનેગારોને જેલમાં ધકેલી દેવા વગેરેમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024 દરમિયાન ઘણી વિશેષ પહેલ, ઝુંબેશ અને કામગીરી હાથ ધરી છે. સપ્ટેમ્બર સુધીમાં RPF અને GRP દ્વારા પેસેન્જર સામાનની ચોરીના 6200થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે અને 1300થી વધુ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા છે. વેસ્ટર્ન રેલવે આરપીએફ મુસાફરોના સામાનની ચોરી અને લૂંટના કિસ્સાઓ શોધવા માટે સીસીટીવી કેમેરા અને ફેસ રેકગ્નિશન સિસ્ટમ (એફઆરએસ) ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી રહી છે. સપ્ટેમ્બર સુધીમાં CCTV અને FRS ટેક્નોલોજી દ્વારા લૂંટના 7 કેસ શોધી કાઢવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવે પ્રોટેક્શન ફોર્સે છેડતીના 45 કેસમાં 39 લોકોની અને બળાત્કારના 5 કેસમાં 6 લોકોની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *