રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં વર્ષ 2025 માટે રૂ. 410 કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જે પૈકી અત્યાર સુધીમાં રૂ. 338 કરોડની વસુલાત થઈ છે. તો રૂ. 72 કરોડ જેટલો વેરો વસુલવા માટે મનપા દ્વારા સિલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, વસુલવામાં આવેલા ટેક્સ પૈકી વર્ષ 2024માં રૂ. 4.58 કરોડનાં 856 જેટલા ચેક રિટર્ન થયા છે. ત્યારે મિલકતવેરાનો ટાર્ગેટ કેમ પૂરો થશે તે મોટો સવાલ છે. જોકે, આ મામલે નિયમ મુજબ ફોજદારી ફરિયાદ સુધીના પગલાં લેવામાં આવનાર છે.
RMCના બાકી મિલકતવેરામાં સરકારી કચેરીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ રેલવે વિભાગનો 14 કરોડ 32 લાખ 94 હજાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 12 કરોડ 82 લાખ 52 હજાર અને કલેક્ટર ઓફિસનો 11 કરોડ 59 લાખ 99 હજાર વેરો ભરવાનો બાકી છે, જે સૌથી વધુ રકમ છે.
ચેક રિટર્ન કેસમાં નોટિસ બાદ ફોજદારી કાર્યવાહી કરાશેઃ અધિકારી મનપાનાં વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલના જણાવ્યા મુજબ, રાજકોટ મનપા દ્વારા વેરા વસુલાત માટેની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, આ દરમિયાન વર્ષ 2024માં રૂ. 4.58 કરોડની કિંમતના કુલ 856 જેટલા ચેક રિટર્ન થયા હતા. આ પૈકીનાં 75 ટકા કિસ્સામાં બેંકમાં અપૂરતું ફંડ હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને નિયમ મુજબ તેની પણ રિકવરી કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં રૂ. 4.19 કરોડનાં 804 ચેકની વસુલાત થઈ ચૂકી છે. જ્યારે રૂ. 39 લાખના 52 ચેક રિકવરી બાકી છે. આ માટે નિયમ મુજબ નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી છે અને જરૂર પડ્યે ફોજદારી ફરિયાદ કરવામાં આવનાર છે.