રાજકોટ RTOમાં 80 લાખના ખર્ચે નિર્માણાધિન નવા ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનું સિવિલ વર્ક છેક સવા વર્ષે પૂર્ણ થયું છે. 10 વર્ષ જૂનો ટ્રેક અવારનવાર બંધ થઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અગાઉ 6 મહિનામાં 1 મહિનો ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા 15,000 અપોઈન્ટમેન્ટ રી-શેડયુલ એટલે કે પછીના દિવસોમાં પાછી ઠેલવવી પડી હતી. જોકે, રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા આ કામ પૂર્ણ થયા બાદ હવે ડિઝાઇનમાં ફેરફાર સૂચવવામાં આવતા નવો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર થવામાં હજુ રાહ જોવી પડશે.
રાજકોટ RTO કચેરી ખાતે પાક્કુ લાયસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આપવા માગતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે, આરટીઓ કચેરી ખાતેનો આ ટ્રેક વારંવાર ટેક્નિકલ ખામીઓને કારણે બંધ થઈ જાય છે. ચાલુ વર્ષે 19 માર્ચથી 6 સપ્ટેમ્બર એટલે કે માત્ર 6 માસમાં 1 મહિનો એટલે કે રજા સિવાયના ચાલુ 30 દિવસ ટ્રેક બંધ રહ્યો હતો. હાલ રાજકોટ રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા RTOના નવા ટ્રેકનું સિવિલ વર્કનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જોકે, તેમાં ટ્રેકની ડિઝાઇનમાં ફેરફાર સૂચવવામાં આવેલો છે. જેમાં સેન્સર ટ્રેક પર ડાયમેન્શન વાઈઝ યોગ્ય રીતે ફિટ થઈ શકે તે માટે અમુક જગ્યાએ પહોળાઈ વધારવાની છે. જે કામ પૂર્ણ થતા હજુ દોઢ માસમાં પૂર્ણ થઈ જશે.
રાજકોટ RTOમાં નવા ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે આ ટ્રેકનું સિવિલ વર્ક કરતા સિવિલ એન્જિનિયરે જણાવ્યું હતું કે, રૂ. 80 લાખનાં ખર્ચે RTO કચેરીમાં નવો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ રહ્યો છે. છેલ્લા સવા વર્ષથી નવા ટ્રેકના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. નવા ટ્રેકની લંબાઈ 170 મીટર અને પહોળાઈ 4.20 મીટર છે.