ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પ્રાયોગિક પરીક્ષા તા.06 ફેબ્રુઆરીથી શરૂ થનાર છે જેની હોલટિકિટ પણ શિક્ષણ બોર્ડે વેબસાઈટ પર જાહેર કરી દીધી છે. રાજ્યમાં આશરે 1.11 લાખ અને રાજકોટમાં અંદાજિત 7785 વિદ્યાર્થી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા આપવાના છે. પ્રેક્ટિકલ પરીક્ષાને લઈને બોર્ડે અને જિલ્લા શિક્ષણ તંત્રએ જરૂરી તમામ વ્યવસ્થા કરી છે.
પ્રેક્ટિકલ પરીક્ષામાં મુખ્ય વિષય ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી વિષયની પરીક્ષા લેવામાં આવશે. રાજકોટ શહેરમાં 13 તેમજ જિલ્લામાં ધોરાજીમાં 4, ગોંડલમાં 2 અને જેતપુર-જસદણના 1-1 સેન્ટર મળી જિલ્લામાં કુલ 21 સેન્ટર પરથી પ્રાયોગિક પરીક્ષા લેવાશે.
ધોરણ-12 સાયન્સની મુખ્ય વિષયની પ્રેક્ટિકલ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે સ્થળ સંચાલકોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવી પરીક્ષા લેવામાં આવશે. બોર્ડ દ્વારા ખાસ આયોજન કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એજ દિવસે માર્ક્સ અપલોડ કરી દેવાની તૈયારી કરવામાં આવી છે.
પ્રાયોગિક પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર પર ગુલાબ આપી અને મોં મીઠું કરાવીને પ્રવેશ આપવામાં આવે તેવી પણ તૈયારી કરવામાં આવી રહી છે. પ્રેક્ટિકલ પરીક્ષામાં જ હકારાત્મક વાતાવરણ ઊભું કરવાના પ્રયાસ સાથે વિદ્યાર્થીઓને આવકારવામાં આવશે.